Hari Prakash Swami

ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા

ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા

ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા

-સ્વામી માધવપ્રિયદાસ

મહાભારતમાં એક સરસ પ્રસંગ છે : જ્યારે રાજસૂય યજ્ઞ પૂરો થયો, મયદાનવે રચેલી સભામાં દુર્યોધનનું ઘોર અપમાન થયું. ઈર્ષ્યાની આગમાં સળગતો દૂર્યોધન પોતાના ઘેર ગયો. તેણે મનમાં નિર્ણય કર્યો કે યેનકેન પ્રકારેણ પાંડવોની સંપત્તિ પડાવી લઉં.

આ બાજુ યજ્ઞ પૂરો થતા બધા અતિથિઓ પાંડવોની રજા લઈ વિદાય થયા. ભગવાન વેદવ્યાસ પણ પાંડવો પાસે વિદાય લેવા માટે આવ્યા. સંજોગવશાત્ ત્યારે મહારાજ યુધિષ્ઠિર એકલા જ હતા. વેદવ્યાસ ત્રિકાળજ્ઞાની પુરુષ હતા, અર્થાત્ એમની સર્વગ્રાહી દ્રષ્ટિ ભૂતકાળ તેમજ ભવિષ્યના ગર્ભમાં પણ પહોંચતી હતી. એટલે તો વેદવ્યાસે લખેલાં પુરાણો આપણને વર્તમાનની સાથોસાથ ભૂત અને ભવિષ્ય બન્નેની યાત્રાએ લઈ જાય છે.

Sage Ved Vyas

ભગવાન વેદ વ્યાસ સાથે સત્સંગ કરતા કરતા મહારાજ યુધિષ્ઠિરને ભારતવર્ષના ભવિષ્યને જાણવાની ઇચ્છા થઈ. એમણે પોતાનાં મનની વાત વેદવ્યાસ સમક્ષ રજૂ કરી. ધર્મરાજની આ જિજ્ઞાસા માનવસહજ જિજ્ઞાસા છે. ‘કાલે મારું શું થશે?! અઠવાડિયા પછી મારું શું થશે ? મારું આયુષ્ય કેટલું હશે !?’ આવું જાણવાની ઈચ્છા જેને ન હોય એવા માણસ ભાગ્યે જ મળે.

આપણે ભગવાનમાં ભરોસો રાખવાની વાત કરીએ છીએ. જે કંઈ થાય છે તે ભગવાનની ઇચ્છાથી થાય છે અને થવાનું છે તે પણ ભગવાનની ઇચ્છાથી થવાનું છે તે જાણીએ છીએ. છતાં પણ છાપામાં આવતા અઠવાડિક રાશિ ભવિષ્યમાં જોઈ લઈએ છીએ કે અઠવાડિયું કેવું જશે…! ભવિષ્યને જાણવાની ઇચ્છા કોને ન હોય? મહારાજા યુધિષ્ઠિરે વેદવ્યાસને પૂછ્યું ત્યારે વેદ વ્યાસે કહ્યું કે, ‘રાજન્ ! ભૂતકાળને ભૂલી જાવ. વર્તમાનને માણી લ્યો અને ભવિષ્યની ચિંતા છોડી દ્યો.’ પણ વર્તમાનની આવી મોજ તો કોઈ વ્યાસ જેવો આત્મજ્ઞાની પુરુષ જ માણી શકે. કોઈક જ મહાપુરુષ સમયચક્રના વિસ્તારમાં વિહરવાને બદલે રથચક્રની નાભિમાં જ વિરામ લઈ શકે.

ભવિષ્યને જાણવાની જિજ્ઞાસા ક્યારેક સારી નથી હોતી અને ક્યારેક ભવિષ્યનું જ્ઞાન પણ સારું નથી હોતું. વેદવ્યાસે કહ્યું ‘રાજન્ ! ભવિષ્ય જાણવું રહેવા દો. ક્યારેક અજ્ઞાન પણ પરમાત્માના આશીર્વાદ હોય છે, તો ક્યારેક જ્ઞાન અભિશપ બની જાય છે. કેટલીક બાબતો ભૂલી જવાય એ પણ ઇશ્વરની મોટી મહેરબાની છે.

દાખલા તરીકે, આ સભામાં આપણને કોઈને ખબર નથી કે ‘આપણે પૂર્વ જન્મમાં કોણ હતા?’ કદાચ ભગવાન દયા કરે અને આપણને ખબર પડી જાય કે ‘આ મારી પાસે બેઠેલા સજ્જન પૂર્વ જન્મમાં મારી પાસેથી પચાસ હજાર રુપિયા ઉછીના લઈ ગયા હતા પણ પાછા નથી આપ્યા’ તો આપણને શું થાય? એથી ઉલટું, બીજી બાજુ બેઠેલા સજ્જનને જ્ઞાન થાય કે ‘આપણે એની પાસેથી ઉધાર લાવ્યા હતા’ તો શું થાય ? કેટલી અવ્યવસ્થા ઉભી થાય ! કેટલા સંઘર્ષો શરુ થાય!

આ બધું તો હજી કંઇક ઠીક, પણ કદાચ ઘરમાં બે માણસ એકબીજાને ઓળખી જાય કે ‘આ તો એ જ છે જેણે મને છેતરીને ઝેર દીધેલ…!’ તો ઘરમાં કેવી ધમાલ થાય ?! એટલે ‘ટાઈમ ટ્રાવેલ’ બહુ સારી વાત નથી. ભૂલાઈ જાય તે સારી વાત છે, માટે ઘણીવાર વિસ્મરણ પ્રભુનું વરદાન છે. માનો કે આપણને ખબર પડી જાય કે અમુક દિવસ પછી આપણો છેલ્લો વરઘોડો નીકળવાનો છે તો આપણી કેવી દશા થાય ! આપણને આપણા મૃત્યુની ખબર નથી એટલે આપણે સદ્ભાગી છીએ. મોજથી જીવીએ છીએ. ‘જબ આયેગા તબ દેખા જાયેગા.’

તમને જો ખ્યાલ હોય તો મહાભારતમાં દુ:ખીમાં દુ:ખી જો કોઈ હોય તો તે સહદેવ છે. કથા એવી છે કે સહદેવને ભવિષ્યનું જ્ઞાન હતું, પણ મુશ્કેલી એ હતી કો કોઈ પૂછે તો જ તે ભવિષ્ય કહી શકતા, નહીંતર નહીં. સહદેવને ખબર હતી કે ‘લાક્ષાગૃહમાં આગ લાગવાની છે. પાંડવોને નહીં ચેતવું તો અનર્થ થશે’ છતાં તે પાંડવોને ચેતવી નથી શકતા. આવી પરિસ્થિતિમાં આગ લાગતા પહેલા સહદેવ કેટલા મૂંઝાયા હશે?

સહદેવને ખબર હતી કે દ્રૌપદીજીના ચીરનું હરણ થવાનું છે, પાંડવોને વનવાસ થવાનો છે, મહાભારતનું મહાભયંકર યુધ્ધ થવાનું છે.! છતાં પૂછ્યા સિવાય બોલી ન શકે. તો સહદેવ જેવા બીજા દુ:ખી કોણ હોય? સહદેવ અને વેદવ્યાસની તુલના કરીએ તો બન્ને પાસે ભવિષ્યદૃષ્ટિ છે, પણ ભવિષ્યજ્ઞાનથી સહદેવ દુઃખી છે, જ્યારે વ્યાસજી હિમાલય જેવા શાંત છે.

જેમ સત્તા અને સંપત્તિ મળવા સહેલા છે પણ પચાવવા અઘરા છે, એ જ રીતે જ્ઞાન મળવું સહેલું છે, પણ પચાવવું કપરું છે. અધ્યાત્મની નાભિમાં વિરાજમાન ફૂટસ્થ મહાપુરુષ જ જ્ઞાન પચાવી શકે છે. રથચક્ર વિહરણશીલ છે, નાભિ સ્થિર છે. અનેકતામાં એકતા રુપે વિરાજમાન અવિચલ તત્ત્વે વેદો “નાભિ” કહે છે. વિજ્ઞાન ‘ન્યુક્લિયસ’ કહે છે. વ્યાસજી નાભિને પામી ચૂક્યા છે. જ્યારે સહદેવ સૃષ્ટિચક્રના વિસ્તારમાં અર્થાત્ અનેકતામાં ભમે છે.

સૃષ્ટિના ભૂત, ભવિષ્ય અને વર્તમાન પ્રવાહને વ્યાસજી પરમાત્માની લીલાના રૂપમાં જૂએ છે અને સ્થિતપ્રજ્ઞ રૂપે અહોભાવથી એ લીલારસને માણે છે, પરંતુ આવી દિવ્ય લીલાદૅષ્ટિ સહદેવમાં જાગી નથી, માટે સહદેવ દુઃખી છે. હવે મૂળ વાત પર આવીએ. વ્યાસે કહ્યું, ‘ધર્મરાજ ! ભવિષ્યની વાત છોડો. ભવિષ્યदर्शन તમારા હિતમાં નથી.’ પણ ધર્મરાજે હઠ ન છોડી. ત્યારે વ્યાસે કહ્યું, “ધર્મરાજ! તમે નાનાં બાળક જેમ હઠ પકડીને બેઠા છો, પણ ભવિષ્યદર્શન કર્યા પછી તમારી બેચેની વધી જશે, તમારી ઊંઘ હરામ થઈ જશે.’

ભારતના ભાવિ અંગેના પ્રશ્નને વ્યાસ વારંવાર ટાળતા રહ્યા, પણ ધર્મરાજ વારંવાર ભવિષ્ય જાણવાની હઠ કરતા રહ્યા. પરિણામે વ્યાસ દ્વારા ભારતના ભવિષ્યનું દર્શન કરાવનારી અદ્ભુત ‘ટાઈમ ટ્રાવેલ’ શરુ થઈ. વ્યાસજીની આ ભવિષ્યયાત્રા દુનિયાની કોઈ પણ ‘ટાઈમ ટ્રાવેલ’ની કથા કરતા વિશેષ રોમાંચક હતી. ભગવાન વેદવ્યાસે ભાવિને નજરોનજર નિહાળતા હોય એમ વાત માંડી, ‘સાંભળો મહારાજ ! ભારતવર્ષનું ભવિષ્ય સારું નથી. ટૂંક સમયમાં જ ભારતવર્ષમાં ભયંકર યુધ્ધ થશે. ધરતી રુધિરથી રગદોળાશે. મડદાંના ઢગલા થશે. લોહીની નદીઓ વહેશે. કાગડાં, કૂતરાં, ગીધડાં, સમડાંઓ માટે મહેફિલ મંડાશે. રણદેવીઓ ખપ્પર ભરી ભરી રુધિર પાન કરશે. હજારો યુવાન સ્ત્રીઓ વિધવા થશે. ઘરે ઘરે કાણ મંડાશે. સ્ત્રીઓનાં કરુણ આક્રંદો સાંભળી નહીં શકાય. હજારો બાળકો અનાથ થશે. ભાઈ-ભાઈઓ વચ્ચેના આ મહાસંગ્રામમાં કૌરવકુળમાં કોઈ પાણી પાનાર નહીં બચે.

આ ભયંકર મહાસંગ્રામની વાત સાંભળી યુધિષ્ઠિર મહારાજ ધ્રૂજી ગયા અને સ્તબ્ધ થઈ વ્યાસ સામે જોઈ રહ્યા. પ્રેમ અને કરુણાથી ભરેલા રાજવી આ કહાણી સાંભળી ન શક્યા. પણ હવે વ્યાસજીની વાગ્ધારાને રોકવી અશક્ય હતી. આખરે વાતનું સમાપન કરતાં વ્યાસે કહ્યું, ‘ધર્મરાજ ! તમે ભવિષ્ય પૂછ્યું જ છે તો કાન ખોલીને સાંભળો, આ ભયંકર નરસંહાર તમારે લીધે હશે. આ મહાસંગ્રામના કેન્દ્રમાં તમે હશો.’ ધર્મરાજે હાથ જોડી કંપતા સ્વરે કહ્યું, ‘બસ મહારાજ બસ ! હવે મારાથી સાંભળી શકાય તેમ નથી. આ નરસંહાર રોકવાનો માર્ગ બતાવો.’

વ્યાસે ગંભીર સ્વરે કહ્યું, ‘રાજવી ! ભાવિને કોઈ મિથ્યા કરી શકતું નથી. જે થવાનું છે તે થઈને જ રહેશે. લ્યો હવે મારે જવાનો સમય થયો છે.’ આટલું કહી વ્યાસજી ચાલતા થયા, પણ ધર્મરાજની ઊંઘ હરામ કરતા ગયા. ધર્મરાજના દિલમાં વારંવાર એક વાક્ય ધુમરાવા લાગ્યું. ‘આ મહારક્તપાતના કેન્દ્રમાં તું હોઈશ.” ધર્મરાજ ઉદાસ ઉદાસ થઈ ગયા. ન હવે એને રાતે નિદ્રા આવે, ન દિવસે ભોજન ભાવે.

ધર્મરાજે મનોમન વિચાર કર્યો, ‘ભલે વ્યાસે આ ભવિષ્યવાણી ઉચ્ચારી, પણ ભવિષ્યનું નિર્માણ મારા હાથમાં છે. હું એ ભવિષ્યવાણીને મિથ્યા કરીશ.’ આખરે ધર્મરાજની માનવીય બુદ્ધિએ કુદરતના ક્રમને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. પરિણામ ઉલટું આવ્યું, ચોપાટના પાસાં અવળાં પડે એમ ભયંકર ભાવિને ટાળવા માટે એણે જે જે પ્રયત્નો કર્યા તે અવળા પડ્યા. એટલું જ નહિ, ભાવિને મિથ્યા કરવાના એક એક પગલે જે નરસંહાર દૂર હતો તે નજીક આવતો ગયો.

આપણને ઘણીવાર મનમાં થાય કે ધર્મરાજા જેવો ધર્મનિષ્ઠ રાજવી જુગાર કેમ રમે ? શું તે સામાન્ય માણસની જેમ આદતને આધિન હતા ? આપણા અંતરાત્માનો અવાજ એવી વાત માનવા તૈયાર નથી ? આવો ડાહ્યો માણસ જુગારની આદતમાં ફસાય તે માન્યામાં આવતું નથી. ધર્મરાજ અને જુગાર વચ્ચેનું રહસ્ય કદાચ આ પ્રસંગ સાથે વણાયેલું છે. ભવિષ્ય જાણ્યા પછી યુધિષ્ઠિર મહારાજે નિર્ણય કર્યો કે ‘મારા નિમિત્તે હું નરસંહાર નહીં થવા દઉં. કોઈપણ ભોગે હું એ રક્તપાતને રોકીશ.

ધર્મરાજ વિચારે છે કે ‘એ રક્તપાતને રોકવો હોય તો શું કરવું?” કહેવત છે, ‘જર, જમીન ને જોરુ એ ત્રણેય કજિયાના છોરુ.’ યુધિષ્ઠિરે વિચાર્યું, ‘મારી પાસે જે જર-જમીન-જોરુ છે તે આપીને પણ હું આ નરસંહાર અટકાવીશ.’ લાગે છે કે ધર્મરાજે આવા ઘણા મનોમંથન પછી જ જુગારના પાસા હાથમાં લીધા હશે. એ સમયના ક્ષત્રિયોના રિવાજ પ્રમાણે રાજ્યના સીમાડા યુધ્ધ ઉપરાંત ચોપાટની બાજીથી પણ નિશ્ચિત થતા. આ વાત કુરિવાજ ગણાય કે સુરિવાજ તે ચર્ચાનો વિષય છે. નાહકના નરસંહારને રોકવા માટે મુત્સદ્દી માણસોએ ચોપાટની રમત દ્વારા યુધ્ધને અટકાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું પણ બની શકે.

વર્ષો પહેલા ઘટેલ ઘટનાનું મૂલ્યાંકન આજના સંદર્ભમાં ન કરાય અને આજની ઘટનાનું મૂલ્યાંકન ભૂત કે ભવિષ્યની દૃષ્ટિએ ન કરાય. વર્તમાન સમયની મૂલવણી વર્તમાનની રીતે જ કરાય. દરેક ઘટનાક્રમ પાછળ દેશ-કાળાદિક અનેક પાસાં કામ કરતાં હોય છે. યુધિષ્ઠિર મહારાજે કદાચ વિચાર કર્યો હશે, ‘આ ચોપાટ રમીશ તો બહુ બહુ તો શું થશે ? મારું રાજ્ય દુર્યોધન લઈ જશે. એની મને પરવા નથી.’ એ સમયના રિવાજ પ્રમાણે કોઈ ક્ષત્રિયથી ચોપાટબાજીનું નિમંત્રણ પાછું ન ઠેલી શકાય. ચોપાટના નિમંત્રણને પાછું ઠેલવાનો અર્થ એ હતો કે, યુધ્ધને તરત આહ્વાન આપવું.

ધર્મરાજને આખરે એમ થયું હશે કે “દુર્યોધનને મારું રાજ્ય હૈયામાં કણાની જેમ ખૂંચે છે તો ભલે ચોપાટ ઉપર નિર્ણય થઈ જાય. કદાચ જુગારમાં મારે રાજ્ય હારી જવું પડે તો હારીને પણ હું આ નરસંહારને અટકાવીશ.’ ધર્મરાજના મનમાં તો વ્યાસની વાણીનું મંથન રમ્યા કરતું હશે. વ્યાસજી ગયા, પણ ઊંઘ હરામ કરીને ગયા. યુધિષ્ઠિરને ક્યાંય ફાવે નહીં. ઉદાસ-ઉદાસ રહ્યા કરે. ધર્મરાજને મનમાં થયા કરે ‘કોઈને રાજ્ય આપીને પણ શાંતિ સ્થાપવી, પરંતુ એ માટે મારા ચાર ભાઈઓને વિશ્વાસમાં તો લેવા પડે.’ આ અંગે ભાઈઓને કઈ રીતે વિશ્વાસમાં લેવા? એની મૂંઝવણ ધર્મરાજને થયા કરે.

બીજા ચાર પાંડવોને થાય કે આપણા મોટા ભાઈ શા માટે મૂંઝાય છે ? પાંડવોમાં ભાઈઓ-ભાઈઓ વચ્ચે અનોખો પ્રેમસંબંધ હતો. ચારેય ભાઈઓને ધર્મરાજની ઘણી વાત અયોગ્ય લાગતી હોય, છતાં પણ એના નિર્ણયને તેઓ મને-કમને પણ સ્વીકારી લેતા. ભાઈઓને ફાવે, ન ફાવે છતાં ધર્મરાજનો નિર્ણય આખરી રહેતો. એકવાર ચારેય ભાઈઓએ ધર્મરાજને કહ્યું, “ભાઈ! તમે ઉદાસ શા માટે છો ? આટલો સરસ યજ્ઞ થયો. સમગ્ર પૃથ્વિ પર તમારી કીર્તિ વ્યાપી. તમે ચક્રવર્તી સમ્રાટ થયા છો. છતાં ઉદાસ શા માટે છો ?’

ધર્મરાજા વિચાર કરે છે, ‘આ ભવિષ્યદર્શનથી હું હેરાન થયો, પણ મારે મારા ભાઈઓને હેરાન નથી કરવા.’ એટલે આ જટિલ વાતને એણે યુક્તિપૂર્વક જૂદો વણાંક આપ્યો અને કહ્યું, ‘બંધુઓ ! મારું એક વચન માનશો?’ ભાઈઓએ કહ્યું, ‘મોટાભાઈ ! અમે પિતાને તો નથી જોયાં, પણ તમે અમારા મોટા ભાઈ, અમારા માટે પિતાતુલ્ય છો. આજ તમને કેમ સંશય થાય છે કે અમે તમારી વાત નહીં માનીએ! આપ આવું સ્વપ્રે પણ ન વિચારો. અમારું વચન છે કે અમારે માટે આપનું વચન શિર સાટે સ્વીકાર્ય રહેશે. બોલો, હવે તમારે શું કહેવું છે?”

ધર્મરાજે કહ્યું, ‘ભાઈઓ ! મને ક્યારેક ક્યારેક દાન દેવાનું મન થઈ આવે છે. તમે ચારેય ભાઈઓએ ધરતી જીતીને મને અર્પણ કરી છે. પણ મને ક્યારેક મોજ ચડે અને દાન કરું તો તમને દુઃખ નહીં થાય ને?” ભીમ કહે, ‘અરે મોટાભાઈ ! આટલી વાત માટે તમે તમારી ઊંઘ બગાડી ! આ સમસ્ત ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય તમે કોઈને દઈ દો તો પણ અમને કાંઈ નહીં થાય.” ચારેય પાંડવોએ કહ્યું, ‘મોટાભાઈ! તમારે સર્વસ્વ લૂંટાવી દેવું હોય તો લૂંટાવી દેજો. અમે તમારું વેણ નહીં ઉથાપીએ.’

ભાઈઓના વચને આશ્વસ્ત થયેલા યુધિષ્ઠિર મહારાજને થયું કે ‘ચોપાટમાં હું મારું રાજ્ય મૂકીશ તો પણ હવે મારા ભાઈઓ વાંધો નહીં લે.” ત્યારબાદ જે રીતે જુગાર રમાયો, દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું અને મહાભારતનો ઘોર સંગ્રામ થયો એ કથાના વિસ્તારમાં આપણે જવું નથી.

ફરીને કેન્દ્રબિંદુ ઉપર આવીએ. આપણા માટે આ કથામાં કેન્દ્રબિંદુ છે, વ્યાસજીની ‘ભવિષ્યદર્શન’ની શક્તિ.

~ Gurukul Darshan , SGVP Ahmedabad

Casino Joka : ce qu’il faut vraiment savoir

Casino Joka : Guide pratique pour jouer en toute sécurité Présentation générale du casino joka Joka Casino s’est imposé rapidement comme une destination prisée des joueurs francophones grâce à une offre riche et un design épuré. Le site est disponible en français, ce qui facilite la navigation dès la première

Read More »