Hari Prakash Swami

શિવ-પાર્વતી

શિવ-પાર્વતી – ભાણદેવજી

શિવ-પાર્વતી

-ભાણદેવજી

મહારાજ મનુએ પોતાની એક પુત્રી પ્રસૂતિનાં લગ્ન બ્રહ્માની પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે કર્યા. દક્ષ પ્રજાપતિને પ્રસૂતિથી સોળ કન્યાઓ જન્મી. આ સોળમાંનાં એક ‘સતી’નાં લગ્ન તેમણે ભગવાન શંકર સાથે કર્યા.

એકવાર સર્વ પ્રજાપતિઓએ સાથે મળીને એક મહાન યજ્ઞનું આયોજન કર્યું. આ મહાન યજ્ઞમાં ઋષિઓ, મુનિઓ, દેવો વગેરે સૌ પોતપોતાના અનુયાયીઓ સહિત એકત્રિત થયા. આ યજ્ઞ દરમિયાન એકવાર એક મહત્ત્વપૂર્ણ સભામાં બ્રહ્માજી, ભગવાન શંકર, દેવો, પ્રજાપતિઓ, ઋષિઓ વગેરે સૌ ઉપસ્થિત હતા. તે વખતે દક્ષ પ્રજાપતિએ તે સભામાં પ્રવેશ કર્યો. દક્ષ પ્રજાપતિ સૌ પ્રજાપતિઓના પણ આગેવાન અને સન્માનનીય છે. દક્ષ પ્રજાપતિ ઘણા તેજસ્વી પુરુષ છે. સભામાં તેમનો પ્રવેશ થયો છે તેમ જાણીને તેમના તેજથી પ્રભાવિત થઈને ભગવાન શંકર અને બ્રહ્માજી સિવાય સૌ સભાસદો પોતનાં આસન પરથી ઊભા થઈ ગયા. સૌએ તેમની આમન્યા જાળવી. આ રીતે સૌ સભાસદો દ્વારા સન્માન પામીને તેજસ્વી દક્ષ પ્રજાપતિ પિતામહ બ્રહ્માજીને પ્રણામ કરીને, તેમની આજ્ઞાથી પોતાનાં આસન પર બેઠા.

Ancient Yagna Scene

સૌ સભાસદોએ અભ્યુત્થાન આદિ દ્વારા પ્રજાપતિ દક્ષનું સન્માન કર્યું. ભગવાન શંકર તો સદાસર્વદા આત્મભાવમાં જ રહે છે. તેમની તો માન-અપમાન, આવકાર, વિનય, ઔપચારિકતા આદિ તરફ દૃષ્ટિ જ નથી. એટલે તેઓ સૌની જેમ પોતાનાં આસન પરથી ઊભા થયા નહીં. તેમ કરીને તેઓ દક્ષ પ્રજાપતિની અવમાનના કરવા ઇચ્છતા હતા તેવું નથી, પરંતુ સ્વમાની અને સન્માનપ્રિય દક્ષ પ્રજાપતિ શંકરજીના આ વર્તનને સહન કરી શક્યા નહીં. તેઓ શંકરજીના સસુર છે અને શંકરજી તેમના જમાઈ છે. પિતામહ બ્રહ્માજી તથા ભગવાન શંકર સિવાય સમગ્ર સભાએ અભ્યુત્થાનાદિથી દક્ષ પ્રજાપતિની આમન્યા જાળવી છે. બ્રહ્માજી તો દક્ષ પ્રજાપતિના પિતા છે તેથી તેમની પાસેથી અભ્યુત્થાનાદિ માનપ્રદ વ્યવહારની અપેક્ષા નથી, પરંતુ શંકરજી તો તેમના જમાઈ હોવાથી પુત્ર સમાન કે શિષ્ય સમાન ગણાય. ભગવાન શંકર સૌની સાથે ઊભા કેમ ન થયા ? આ ઘટનાથી દક્ષ પ્રજાપતિને ક્રોધ ચડયો. ભગવાન શંકરના મહિમાને ન સમજનાર દક્ષમહારાજ ક્રોધના આવેગમાં વિવેક ચૂકી ગયા અને બોલવા લાગ્યા, “આ નિર્લજ મહાદેવ સમસ્ત લોકપાલોની પવિત્ર કીર્તિને ધૂળમાં મેળવી રહ્યો છે. હે દેવગણ ! હે બ્રહ્મર્ષિગણ ! આ ધમંડીને સત્પુરુષોને આચારધર્મને લાંછિત અને નષ્ટ કર્યો છે. વાનર સમાન નેત્રવાળા આને મેં મારી સાવિત્રી જેવી પવિત્ર કન્યા બ્રાહ્મણો અને અગ્નિની સાક્ષીએ અર્પણ કરી છે. તેથી એક રીતે આ મારા પુત્ર સમાન છે. ઉચિત તો એ છે કે આ શંકરે ઊભા થઈને મારું સ્વાગત કરવું જોઈએ, મને પ્રણામ કરવા જોઈએ, પરંતુ તેણે તો મારું વાણીથી પણ સ્વાગત કર્યું નથી.

જેમ કોઈ શૂદ્રને વેદ ભણાવે તેમ મેં અનિચ્છાએ છતાં ભાવિવશ આ શંકરને મારી સુકુમારી કન્યા પરણાવી છે. તેનું નામ જ શિવ છે, ખરેખર તો તે અશિવ-અમંગલ છે. ભૂતપ્રેત, પ્રમથ આદિ તમોગુણી સ્વભાવયુક્ત જીવોનો તે નેતા છે. મેં માત્ર બ્રહ્માજીના કહેવાથી આ આચારહીન. દુષ્ટ સ્વભાવવાળા શંકરને મારી ભલીભોળી પુત્રી પરણાવી દીધી છે.” દક્ષ પ્રજાપતિએ ખૂબ કટુવચનો કહ્યાં, તો પણ શંકરજીએ તેમનો કોઈ પ્રતિકાર ન કર્યો. દક્ષ પ્રજાપતિનો ક્રોધ ખૂબ વધી ગયો. તેમણે હાથમાં જળ લઈને ભગવાન શંકરને શાપ આપ્યો, “આ શંકર દેવોમાં સૌથી અધમ છે. હવેથી ઈન્દ્ર-ઉપેન્દ્ર આદિ દેવો સાથે તેને યજ્ઞભાગ મળશે નહીં.”

સભામાં ઉપસ્થિત પ્રધાન સભાસદોએ દક્ષ પ્રજાપતિને શાપ આપતા રોકવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે કોઈની વાત સાંભળી નહીં. જ્યારે ભગવાન શંકરના અનુયાયીઓમાં અગ્રગણ્ય નંદીશ્વરને જાણ થઈ કે પ્રજાપતિ દક્ષે ભગવાન શંકરને શાપ આપ્યો છે ત્યારે તેઓ ક્રોધથી તમતમી ઊઠયા. નંદીશ્વરે દક્ષને તથા તેમનાં વચનોને અનુમોદન આપનાર બ્રાહ્મણોને ભયંકર શાપ આપ્યો, “કોઈને પ્રત્યે દ્વેષભાવ ન રાખનાર ભગવાન શંકર પ્રત્યે દ્વેષભાવ રાખનાર આ મૂર્ખ દક્ષ યથાર્થ તત્ત્વજ્ઞાનથી વિમુખ જ રહો. આ મૂર્ખ દક્ષ કપટધર્મમય ગૃહસ્થાશ્રમમાં આસક્ત રહીને માત્ર સ્થૂળ કર્મકાંડમાં જ રત રહેનાર છે. તેની બુદ્ધિ દેહાદિમાં આત્મભાવ રાખનારી છે તેથી તે પશુ સમાન છે તેથી આ દક્ષ પશુની જેમ અત્યંત સ્ત્રીલંપટ જ રહો અને તેનું મુખ બકરાનું બની જાઓ.”

“જે લોકો આ દુષ્ટ દક્ષના અનુયાયીઓ છે, તેઓ જન્મ-મરણરૂપ સંસારચક્રમાં જ ફસાયેલા રહો. આ શંકરદ્રોહીઓ કર્મની જાળમાં જ ફસાયેલા રહેશે. આ બ્રાહ્મણો ભક્ષ્યાભક્ષ્યનો વિચાર છોડીને કેવળ પેટ ભરવા માટે વિદ્યા, તપ અને વ્રતાદિનો આશ્રય લેનાર થાઓ અને ધન તથા ઈન્દ્રિયોના સુખને જ સુખ માનનાર, તેમના જ ગુલામ બનીને દુનિયામાં ભીખ માગતાં ભટક્યા કરો.” નંદીશ્વરના મુખેથી બ્રાહ્મણકુળ માટે આવો શાપ સાંભળીને ભૃગુજીએ સામો શાપ આપ્યો, “જે લોકો શિવભક્તો છે તથા તેમના ભક્તોના અનુયાયીઓ છે, તેઓ સત્-શાસ્ત્રની વિરુદ્ધ આચરણ કરનારા અને પાખંડી બની જાઓ અને વેદમાર્ગથી વિરુદ્ધ પાખંડધર્મના અનુયાયી બની જાઓ.”

ભૃગુ ઋષિનો આવો શાપ સાંભળીને ભગવાન શંકર પોતાના અનુયાયીઓ સાથે તે સ્થાન છોડીને ચાલ્યા ગયા. ગંગા-યમુનાના સંગમસ્થાન શ્રીપ્રયાગરાજમાં પ્રજાપતિઓનો યજ્ઞ પૂરો થયો અને યજ્ઞાન્ત સ્નાન કરીને સૌએ ત્યાંથી વિદાય લીધી. આ રીતે સસુર અને જમાઈ વચ્ચે વિરોધયુક્ત લાંબો સમય પસાર થયો. તે સમયે બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા. આ બનાવથી દક્ષ પ્રજાપતિનો ગર્વ વધી ગયો. તેમણે ભગવાન શંકર વગેરે બ્રહ્મનિષ્ઠોને યજ્ઞભાગ ન આપીને, તેમના તિરસ્કારપૂર્વક પહેલાં તો વાજપેયયજ્ઞ કર્યો અને પછી બૃહસ્પતિસવ નામના યજ્ઞનો પ્રારંભ કર્યો. આ યજ્ઞોત્સવમાં બધા બ્રહ્મર્ષિ, દેવર્ષિ, પિતૃઓ, દેવો વગેરે પોતાની ધર્મપત્નીઓ સાથે પધાર્યા.

જ્યારે દેવતાઓ આકાશમાર્ગે આ મહાયજ્ઞની ચર્ચા કરતા કરતા જઈ રહ્યા હતા ત્યારે તેમના મુખેથી દક્ષકુમારી સતીએ પિતાને ઘેર થનાર યજ્ઞની કથા સાંભળી. ભગવાન શંકર પ્રત્યેના દ્વેષથી પ્રેરાઈને પ્રજાપતિ દક્ષે શંકર અને સતીને યજ્ઞમાં પધારવાનું નિમંત્રણ આપ્યું ન હતું. આમ છતાં દેવો અને દેવીઓને આનંદ અને ઉત્સાહપૂર્વક યજ્ઞમાં જતાં જોઈને સતીને પણ પોતાના પિતાને ઘેર યજ્ઞમાં જવાની ઇચ્છા થઈ. સતીએ શિવજીને કહ્યું, “હે ભગવન્ ! સાંભળ્યું છે કે મારા પિતાને ઘેર એક મહાન યજ્ઞ છે. દેવો અને દેવીઓ વિમાનોમાં બેસીને આ યજ્ઞમાં મારા પિતાને ઘેર જઈ રહ્યા છે. મારી ખૂબ ઇચ્છા છે કે આપણે પણ મારા પિતા અને આપના સસુરને ઘેર આ મહાન યજ્ઞમાં જઈએ. મને મારા બહેનો-બનેવીઓ, મારી માતા વગેરેને મળવાની પણ ખૂબ ઇચ્છા છે. આ યજ્ઞમાં તેઓને મળવાની તક મળશે. વળી આ મહાન યજ્ઞનાં પણ દર્શન થશે. આપણને યજ્ઞમાં જવાનું નિમંત્રણ નથી, પરંતુ પિતાને ઘેર જવા માટે સંતાનોને નિમંત્રણ અનિવાર્ય નથી. પિતાને ઘેર તો નિમંત્રણ વિના પણ જઈ શકાય છે.”

“આપ પરમ જ્ઞાની છો છતાં આપે મને આપની અર્ધાંગના તરીકે સ્વીકારી છે, તો મારી યાચના છે કે આપ મારી આ ઇચ્છા પૂરી કરો.” ભગવાન શંકર હસીને સતીને કહેવા લાગ્યા, “દેવી ! તમે જે કહ્યું કે પોતાના પ્રિયજનોને ઘેર તો વિના નિમંત્રણે પણ જઈ શકાય છે. આ વાત સાચી છે, પરંતુ એ રીતે વિના નિમંત્રણે ત્યારે જ જઈ શકાય જ્યારે તેમના મનમાં આપણા પ્રત્યે દ્વેષભાવ ન હોય. જે લોકો દ્વેષયુક્ત રોષભરી દૃષ્ટિથી જોતા હોય તેમને ઘેર ‘આ તો આપણા સ્વજનો છે’ તેમ માનીને ક્યારેય જવું જોઈએ નહીં, કારણ કે તેમ કરવામાં કલ્યાણ નથી. દ્વેષયુક્ત કટુ વચનો તો તીક્ષ્ણ બાણોથી પણ કાતિલ હોય છે.’ “સતી! હું જાણું છું કે તમે તમારા પિતાને, તેમની સૌ પુત્રીઓમાં સૌથી અધિક પ્રિય છો, પરંતુ મારા પ્રત્યેના દ્વેષને કારણે તમને તમારા પિતા તરફથી સ્નેહ કે માન તો નહીં મળે, પરંતુ તમારી ઘોર અવગણના થશે.”.

સતીનાં મનમાં પોતાના પિતાના યજ્ઞમાં જવાની તીવ્ર ઇચ્છા છે અને સાથે સાથે ભગવાન શંકર નારાજ ન થાય તેવી ઇચ્છા પણ છે. બે પરસ્પર વિરોધી ઈચ્છાઓની વચ્ચે તેઓ વ્યાકુળ થઈ ગયાં. તેઓ ખૂબ ચંચળ બની ગયાં. સ્વજનોના સ્નેહવશ તેમનું હૃદય ભરાઈ ગયું. સતી ખૂબ વ્યાકુળ થઈને રડવા લાગ્યાં. શંકા, ક્રોધ અને રોષથી તેમનું ચિત્ત વ્યાકુળ બની ગયું. આખરે ભગવાન શંકરને છોડીને લાંબા લાંબા શ્વાસ લેતાં લેતાં સતી પોતાના પિતાને ઘેર જવા નીકળ્યાં. સતી એકલા જ દક્ષ પ્રજાપતિને ઘેર જવા નીકળ્યાં છે તે જોઈને મહાદેવના મણિમાન, મદ આદિ હજારો સેવકો ભગવાનનાં વાહન વૃષભરાજને લઈને તેમની સાથે નીકળ્યા. તેઓએ સતીને વૃષભ પર બેસાડયાં. સૌ દક્ષ પ્રજાપતિના ઘર તરફ ચાલ્યાં. સતી પોતાના બધા સેવકો સાથે દક્ષની યજ્ઞશાળામાં પહોંચ્યાં.

યજ્ઞમંડપમાં ઋત્વિજો વેદમંત્રોનું ગાન કરી રહ્યા હતા. ચારેબાજુ બ્રહ્મર્ષિઓ અને દેવર્ષિઓ બિરાજમાન હતા. સતીએ યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો, પરંતુ સતીના પિતા દક્ષમહારાજે તેમની ઘોર અવગણના કરી. પિતા દક્ષના ભયથી સતીની માતા અને બહેનો પણ તેમનો આદરસત્કાર કરી શક્યા નહીં. સર્વલોકેશ્વરી અને ભગવાન શિવનાં અર્ધાંગના સતીનો યજ્ઞમંડપમાં ભારે અનાદર થયો. તેમણે જોયું કે યજ્ઞમાં ભગવાન શંકર માટે કોઈ ભાગ રાખવામાં આવ્યો નથી. આમ પિતા દક્ષ ભગવાન શંકરનું પણ અપમાન કરી રહ્યા છે. આ બધું જોઈને સતીને તીવ્ર ક્રોધ ચડ્યો. બધા સાંભળે તેમ દેવી સતી બોલ્યાં, “Asking Shava no matter what you do, you should not be angry with him.”

“ભગવાન શંકરથી મહાન આ સંસારમાં કોઈ નથી. તેઓ તો સર્વદેહધારીઓના પ્રિય આત્મા છે. તેમને કોઈ પ્રિય કે અપ્રિય નથી કે તેમને કોઈની સાથે રાગ-દ્વેષ નથી. ભગવાન શંકર તો સર્વના કારણરૂપ અને સર્વરૂપ છે. આપના સિવાય આ સંસારમાં એવું કોણ છે જે તેમની સાથે વિરોધ રાખે ? આવા મહાપુરુષની નિંદા જેવું જધન્ય કાર્ય તો માત્ર દુષ્ટ પુરુષોને જ શોભા આપે છે.” “જો કોઈ પોતાના પૂજનીય સ્વામીની નિંદા કરે તો, શક્તિ હોય તો નિંદકની જીભ કાપી લેવી પરંતુ શક્તિ ન હોય તો તે સ્થાનનો ત્યાગ કરવો જોઈએ. આપ ભગવાન શંકરની નિંદા કરો છો, તેમની સાથે વૈરભાવ રાખો છો, તેથી હવે આપના દ્વારા ઉત્પન્ન થયેલ શરીરને હું રાખવા ઇચ્છતી નથી. આપના જેવા દુર્જનની પુત્રી હોવાની મને લજ્જા આવે છે.”

યજ્ઞમંડપમાં દક્ષ પ્રજાપતિને આ પ્રમાણે કહીને દેવી ભગવતી સતી મૌન બનીને ઉત્તર દિશામાં મુખ રાખીને ભૂમિ પર બેસી ગયાં. તેમણે આચમન કરીને પીળું વસ્ત્ર ઓઢી લીધું. તેમણે આંખો બંધ કરી અને શરીર છોડવા માટે તેઓ અવસ્થિત થયાં. સતીએ આસનને સ્થિર કર્યું. પ્રાણાયામ દ્વારા પ્રાણ અને અપાનને એકરૂપ કરીને નાભિચક્રમાં સ્થિર કર્યા, પછી ઉદાનવાયુને નાભિચક્રથી ઉપર ઉઠાવીને ધીમે ધીમે બુદ્ધિની સાથે હૃદયમાં સ્થાપતિ કર્યો. પછી સતી તે હૃદયસ્થિત વાયુને કંઠમાર્ગથી ભુકુટિની વચ્ચે લઈ ગયાં. ત્યારપછી સતીએ પોતાના સમગ્ર શરીરમાં વાયુ અને અગ્નિની ધારણા કરી. સતીએ પોતાના પતિ જગદ્ગુરુ ભગવાન શંકરનાં ચરણકમળનું ચિંતન કરતાં કરતાં બીજા સર્વ ધ્યાનને ભૂલાવી દીધાં. શિવજીનાં ચરણો સિવાય તેમને કશું જ દેખાયું નહીં. હું દક્ષકન્યા છું, તેવા અભિમાનથી પણ તેઓ મુક્ત થયાં. તેમનું શરીર તુરત જ યોગાગ્નિમાં બળી ગયું.

દક્ષના યજ્ઞમંડપમાં આ ઘટના જોઈને હાહાકાર મચી ગયો. આ ભયંકર કોલાહલ પૃથ્વી અને આકાશમાં સર્વત્ર ફેલાઈ ગયો. યજ્ઞમંડપમાં બેઠેલા સભાસદોએ પણ દક્ષના અનુચિત વ્યવહારની નિંદા કરી. સતીનો અદ્ભુત પ્રાણત્યાગ જોઈને શિવજીના પાર્ષદો અસ્ત્ર-શસ્ત્ર લઈને પ્રજાપતિ દક્ષને મારવા માટે તૈયાર થયા. તેમના આક્રમણને જોઈને ભૃગુ ઋષિએ ‘ જક્ષ…’ ઈત્યાદિ મંત્રોનું ઉચ્ચારણ કરીને દક્ષિણાગ્નિમાં આહુતિ આપી. તેનાથી યજ્ઞકુંડમાંથી ઋભુ નામના હજારો તેજસ્વી દેવતાઓ પ્રગટ થયા. તેમણે સળગતી લાકડીઓ લઈને આક્રમણ કર્યું. ગૃહ્યક, પ્રમથગણ વગેરે શિવગણો ચારેબાજુ ભાગી ગયા. જ્યારે ભગવાન શંકરે નારદજી દ્વારા સમાચાર સાંભળ્યા કે દક્ષયજ્ઞમાં અપમાનિત થઈને સતીએ પ્રાણનો ત્યાગ કર્યો છે અને ભૃગુઋષિની આહુતિથી યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન ઋભુદેવોએ શિવગણોને મારીને ભગાડી મૂક્યા છે ત્યારે શિવજીને અત્યંત ક્રોધ થયો. તેમણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. શિવજીએ જટા ખોલી અને તેને જોરથી પૃથ્વી પર પછાડી.

તેમાંથી એક પ્રચંડ કદનો પુરુષ ઉત્પન્ન થયો. શ્યામવર્ણના અતિ વિશાળ અને ઉગ્ર પુરુષને એક હજાર ભુજાઓ હતી. બધી ભુજાઓમાં અનેક પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર હતાં. જ્યારે આ પુરુષે હાથ જોડીને શિવજીને પૂછ્યું, “ભગવન્ ! હું શું કરું?” ત્યારે ભૂતનાથ શિવજીએ તેને કહ્યું, “વીરભદ્ર! તું મારો અંશ છે. તું મારા પાર્ષદોને અધિનાયક બનીને જા અને બહુ ત્વરાથી દક્ષ અને તેના યજ્ઞનો વિધ્વંસ કરી નાંખ.” મહાદેવની આજ્ઞા સાંભળીને, તેમને પરિક્રમા કરીને, હાથમાં પ્રચંડ કદનું ત્રિશૂળ લઈને વીરભદ્ર દક્ષની યજ્ઞભૂમિ તરફ દોડયા. રુદ્રના બીજા સેવકો પણ શસ્ત્રો ધારણ કરીને તેમની પાછળ દોડયા. વીરભદ્ર અને શિવગણોએ સાથે મળીને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. યજ્ઞકુંડ, યજ્ઞમંડપ, અતિથિશાળા, ભોજનશાળા, યજ્ઞનાં ઉપકરણો આદિ સર્વનો નાશ કરી નાખ્યો. ઋત્વિજો, સદસ્યો, દેવો વગેરે નાસી ગયા.

વીરભદ્રે ભૃગુજીની દાઢી-મૂછ ખેંચી લીધી. તેમણે ભગદેવતાની આંખો કાઢી લીધી. તેમણે પૂષાના દાંત તોડી નાખ્યા. ત્યારપછી વિરભદ્ર દક્ષની છાતી પર બેસી ગયા અને તલવારથી તેમનું મસ્તક કાપવા લાગ્યા પરંતુ તલવાર અને અન્ય કોઈ અસ્ત્ર-શસ્ત્ર જ્યારે દક્ષની ત્વચાને કાપી ન શક્યાં ત્યારે વીરભદ્રે વિચારીને જે રીતે યજ્ઞપશુના મસ્તકને કાપવામાં આવે છે તે જ રીતે દક્ષનાં મસ્તકને ધડથી અલગ કરી નાખ્યું. શિવગણોએ વીરભદ્રના આ કાર્યની ખૂબ પ્રશંસા કરી. વીરભદ્રે અત્યંત ક્રોધમાં આવીને દક્ષના મસ્તકને દક્ષિણાગ્નિમાં નાખી દીધું. તેમણે યજ્ઞશાળાને આગ લગાડીને ભસ્મીભૂત કરી અને પોતે કૈલાસમાં પાછા આવી ગયા. આ રીતે વીરભદ્ર અને રુદ્રગણો દ્વારા છિન્નભિન્ન થયેલા દેવો, ઋત્વિજો અને સદસ્યો બ્રહ્માજી પાસે ગયા. દેવતાઓએ દક્ષના યજ્ઞમાં બનેલી સર્વ ઘટનાઓ બ્રહ્માજીને કહી. બ્રહ્માજીએ દેવોને કહ્યું, “શિવજીની અવગણના કરવાનું આ પરિણામ છે. હવે આપ શિવજીને શરણે જાઓ. તેમને પ્રાર્થના કરો. તેમની કૃપાથી યજ્ઞ પરિપૂર્ણ થશે.”

બ્રહ્માજી સહિત દેવો કૈલાસ પર્વત પર ભગવાન શિવજી પાસે ગયા. સૌએ શિવજીને પ્રાર્થના કરી તેમની ક્ષમા માગી અને યજ્ઞમાં પધારી યજ્ઞ પરિપૂર્ણ કરાવવા વિનવણી કરી. ભગવાન શંકર તો પરમ કારુણિક છે. તેઓ બ્રહ્માજી અને દેવો, ઋત્વિજો વગેરે સાથે યજ્ઞભૂમિ પર આવ્યા. દક્ષ પ્રજાપતિને બકરાનું મસ્તક લગાડીને જીવિત કર્યા; ભૃગુઋષિને બકરાનાં દાઢીમૂછ જોડી આપ્યાં. ભગદેવ મિત્રની આંખોથી યજ્ઞભાગને જોઈ શકશે. પૂષા યજમાનના દાંતોથી ભક્ષણ કરશે. જે દેવોનાં અંગો ભાંગી ગયાં છે તે સ્વસ્થ થઈ ગયાં. ઋત્વિજોમાંના જેમની ભુજાઓ ભાંગી ગઈ હતી તે અશ્વિનીકુમારોએ જોડી આપી.

દક્ષ પ્રજાપતિ જીવિત થયા. તેમનું ચિત્ત માલિન્યથી મુક્ત થયો. તેમણે ભગવાન શંકરની ક્ષમા માગી અને યજ્ઞપરિપૂર્તિ માટે પ્રાર્થના કરી. યજ્ઞનો પ્રારંભ થયો. ભગવાન વિષ્ણુ માટે તૈયાર કરેલ પુરોડાશ નામના ચરુની આહુતિ આપી. યજમાન દક્ષમહારાજે ભગવાન શ્રીહરિનું ધ્યાન ધર્યું અને તે જ ક્ષણે ભગવાન યજ્ઞભૂમિમાં પ્રગટ થયા. ભગવાન પધાર્યા છે તે જાણીને બ્રહ્માજી, શિવજી, ઈન્દ્રાદિ દેવો, ગંધર્વો, ઋષિઓ, ઋત્વિજો વગેરે સૌ તુરત ઊભા થઈ ગયા. સૌએ ભગવાન શ્રીહરિને પ્રણામ કર્યા. દક્ષમહારાજ, ઋત્વિજો, સદસ્યો, રુદ્ર, ભૃગુ, બ્રહ્માજી, ઈન્દ્ર, યાજ્ઞિક-પત્નીઓ, ઋષિઓ, સિદ્ધો, યજમાનપત્ની, લોકપાલો, યોગેશ્વરો, અગ્નિ, દેવો, ગંધર્વો, વિદ્યાધરો, બ્રાહ્મણો આદિ સૌએ ભવાન શ્રીહરિને પ્રાર્થના કરી.

આ રીતે દક્ષયજ્ઞની સારી રીતે પરિપૂર્તિ થઈ. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તો એક જ છે તેમ સમજીને યજ્ઞમાં શિવજીનો ભાગ પણ નિશ્ચિત થયો. યજ્ઞ પૂરો થયા પછી સૌ પોતપોતાનાં સ્થાને ગયા. સૌ પોતપોતાનાં સ્થાનોમાં ગયા, પરંતુ શિવજી સતીના મૃતદેહને જોઈને શોકાતુર થયા અને સતીના દેહને પોતાના ખભા પર મૂકીને શોકાતુર અવસ્થામાં સમગ્ર બ્રહ્માંડમાં વિચરણ કરવા લાગ્યા, શિવજીની આવી ઉન્મત્ત અવસ્થા જોઈને ભગવાન વિષ્ણુએ પોતાનાં ચક્રથી સતીનાં દેહના ૫૧ ટુકડા કરી નાંખ્યા. સતીનાં દેહના આ ૫૧ અંશો જયાં જ્યાં પડયા તે સ્થાન પર શક્તિપીઠની સ્થાપના થઈ.

ત્યારપછી ભગવાન શંકર કૈલાસમાં દીર્ઘકાલીન સમાધિમાં લીન થયા. સતીએ હિમાલય અને મેનાની પુત્રીરૂપે દ્વિતીય જન્મ ધારણ કર્યો. પર્વતનાં પુત્રી હોવાથી પાર્વતી કહેવાયાં. તારકાસુર નામનો એક મહાન દૈત્ય દેવોને ખૂબ કષ્ટ આપતો હતો. દેવો આ દૈત્યના કષ્ટમાંથી મુક્ત થવા માટે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ દેવોને કહ્યું, “આ તારકાસુરનો નાશ કરવા માટે હું, શિવજી કે વિષ્ણુ પણ સમર્થ નથી એવું તેને વરદાન છે. શિવજીને પુત્ર જન્મે તો તે પુત્રથી તારકાસુરનો નાશ થઈ શકે.”

પરંતુ શિવજીને પુત્ર થાય કેવી રીતે ? શિવજી તો દીર્ઘકાલીન સમાધિમાં લીન થઈ ગયા છે. શિવજીને પતિરૂપે પામવા માટે પાર્વતીજીએ ઘોર તપશ્ચર્યાનો પ્રારંભકર્યો. ઈન્દ્રાદિ દેવોએ શિવજીને સમાધિનો અને તમની તપશ્ચર્યાનો ભંગ કરી તેમને પાર્વતી સાથે લગ્ન કરવા માટે તૈયાર કરવા જોઈએ. આમ બને કેવી રીતે ? તેમની સમાધિનો ભંગ થાય કેવી રીતે ? તેમને લગ્ન માટે તૈયાર કરવા કેવી રીતે? વ્યક્તિ પોતાની દૃષ્ટિ પ્રમાણે ઉપાય યોજે છે. ઈન્દ્રે પણ પોતાની દ્રષ્ટિ, પોતાના વિવેક પ્રમાણે ઉપાય યોજ્યો. કામદેવ કૈલાસ પર્વત પર ગયા. સાથે વસંત, મલય, અપ્સરાઓ આદિ પોતાની સેના લીધી છે. કામદેવે પોતાની જાળ બિછાવી.

कामદેવે શિવજી પર બાણ ફેંક્યાં. શિવજીની સમાધિ તો તૂટી, શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું. તેમની દૃષ્ટિમાત્રથી કામદેવ બળીને ભસ્મ થયા. આત્મદૃષ્ટિ સામે ટકવાનું કામનું શું ગજું? કામદેવ અનુ-અંગ, શરીર વિનાના બન્યા. પાર્વતીજીની તપશ્ચર્યાથી શિવજી પ્રસન્ન થયા. શિવજીએ દેવોને કષ્ટદાયી તારકાસુરનો ઉપદ્રવ સાંભળ્યો. દેવોની પ્રાર્થના તેમણે સાંભળી. નારદજી, સપ્તર્ષિ આદિની મધ્યસ્થી થઈ અને જગતના કલ્યાણ માટે શિવજી પાર્વતીજી સાથે લગ્ન કરવા તૈયાર થયાં. શિવ-પાર્વતીનાં લગ્ન થયાં. જેઓ સદાસર્વદા અભિન્ન છે, તેમનાં લગ્ન થયાં ! દક્ષકન્યા હિમાલયસુતા બનીને તપશ્ચર્યા દ્વારા પુનઃ શિવ સાથે સંલગ્ન થયાં. કાર્તિકેયનો જન્મ થયો. દેવોને સેનાપતિ મળ્યા અને તારકાસુરનો વધ થયો. દેવોનો જય થયો.

પૌરાણિક કથાનો સ્થૂળ અર્થ સત્ય છે, પરંતુ આ કથાઓના સ્થૂળ અર્થમાં જ તેમની ઇતિશ્રી નથી. આ કથાઓનો સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ પણ સમજવો જોઈએ. હવે આપણે શિવ-પાર્વતીની આ કથાનો આધ્યાત્મિક અર્થ સમજીએ.

Spiritual Meaning of Shiva Parvati

આધ્યાત્મિક અર્થ

(૧) ભગવાન શંકર આત્મતત્ત્વ છે. તે જ પરમાત્મા છે. તેમની અભિન્ન શક્તિ તે જ પાર્વતી કે સતી છે. તેમનું જ એક નામ ઉમા પણ છે. આ ‘ઉમા’ શબ્દ દ્વારા તેમના સ્વરૂપ પર ઘણો મૂલ્યવાન પ્રકાશ પડે છે. શિવજી પરબ્રહ્મ પરમાત્મા છે અને પાર્વતીજી તેમની જ અભિન્ત શક્તિ છે. પરબ્રહ્મ પરમાત્માનું સર્વશ્રેષ્ઠ નામ છે – ઓમ્ અર્થાત્ અઉમ્. તેમની શક્તિ ઉમા કે પાર્વતી જયારે આ સૃષ્ટિમાં અવતરે છે, સર્જન માટે સક્રિય બને છે, ત્યારે તે આદ્યશક્તિ પોતાના મૂળ સ્વરૂપથી વિપરીત સ્વરૂપ ધારણ કરે છે, જે પરમોચ્ચની અભિન્ન શક્તિ છે તે અહીં આ સ્થૂળ જગતમાં સાવ નીચે ઊતરી આવે છે. સ્વરૂપતઃ તે શિવતત્ત્વ અર્થાત્ અઉમ સાથે એકરૂપ છે, પરંતુ સૃષ્ટિસર્જન માટે તે પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કર્યા વિના વિપરીત સ્વરૂપના ધર્મો ધારણ કરે છે. વિપરીત સ્વરૂપ ધારણ કરે છે તે પ્રમાણે વિપરીત નામ પણ ધારણ કરે છે. ઓમ અથવા અઉનું વિપરીત નામ તે જ ઉમ અ અર્થાત્ ઉમા છે.

(૨) શિવજી આત્મતત્ત્વ છે. પાર્વતી = ઉમા તેમની અભિન્ન શક્તિ મહામાયા યોગમાયા-આદ્યશક્તિ છે. બ્રહ્માજી ચિત્ત છે. પુરાણોમાં અનેક સ્થળે બ્રહ્માજીને ચિત્ત (Cosmic Mind) કહેલ છે. દક્ષ પ્રજાપતિ અહંકાર છે. અહંકાર ચિત્તમાંથી જન્મે છે. દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર છે. અહંકાર આ સંસારનું સર્જકતત્ત્વ છે. દક્ષ પ્રજાપતિ પણ પ્રજાના સર્જક હોવાથી પ્રજાપતિ છે. પ્રજાપતિઓના પણ આગેવાન છે. શિવજીની શક્તિ પાર્વતી-ઉમા જ્યારે શિવજીને છોડીને દક્ષ પ્રજાપતિની પુત્રી બને છે, ત્યારે તેનાથી અનર્થ જન્મે છે. આત્માની જ અભિન્ન શક્તિ આત્માથી વિમુખ બને અને અહંકારનો આશ્રય લે ત્યારે તેમાંથી અનર્થ જન્મે છે.

(૩) દક્ષ પ્રજાપતિ જડ અને દૃષ્ટિહીન કર્મકાંડના પ્રતિક છે. જો કર્મકાંડની દૃષ્ટિ આત્મતત્ત્વ-શિવતત્ત્વ પર હોય, તો કર્મકાંડ સાર્થક બને છે. કર્મકાંડ જો શિવતત્ત્વથી રહિત બને, શિવતત્ત્વથી વિમુખ બને, તો તેવો કર્મકાંડ નિરર્થક બની જાય છે. મર્થ ની સ્પષ્ટ સમજ હોવી જોઈએ. ઉપયુક્ત દૃષ્ટિ હોવી જોઈએ. જો કર્મકાંડ આત્માભિમુખ હોય તો તે સાર્થક બને છે, પરંતુ કર્મકાંડ આત્માથી વિમુખ હોય તો વ્યર્થ છે. આત્માથી વિમુખ કર્મકાંડ અહંકાર અને આસક્તિઓનો પોષક બને છે; એટલું જ નહીં પણ જો યજ્ઞ- કર્મકાંડ શિવતત્ત્વનો વિરોધી બને તો અનર્થનું કારણ પણ બને છે અને તેથી વિધ્વંસને પાત્ર બને છે. દક્ષ પ્રજાપતિ જડ કર્મકાંડી છે. તેઓ શિવતત્ત્વનો ઈનકાર કરે છે, એટલું જ નહીં પરંતુ શિવતત્ત્વના વિરોધી પણ બને છે, તો પરિણામે તેમનો અને તેમના યજ્ઞનો વિધ્વંસ થાય છે.

(૪) આત્માની શક્તિ આત્માનો આશ્રય છોડીને અહંકાર સાથે જોડાય ત્યારે અનર્થ સર્જાય છે, દુઃખ આવે છે, પરંતુ અહંકારનો આશ્રય છોડીને પુનઃ શિવતત્ત્વ -આત્મતત્ત્વ સાથે જોડાઈ શકે છે. પરંતુ તે માટે ઘણી તપશ્ચર્યા, ઘણી સાધના કરવી પડે છે. સતીનો યજ્ઞમંડપમાં દેહત્યાગ, પાર્વતી તરીકે જન્મ, સુદીર્ઘ તીવ્ર તપશ્ચર્યા અને શિવ-પાર્વતી વિવાહનો આવો આધ્યાત્મિક અર્થ છે. શિવજીની શક્તિ આખરે તો શિવજી સાથે જ જોડાય છે. તે જ તેની નિયતી છે.

(૫) કર્મ જડ અહંકાર-દક્ષ પ્રજાપતિને બકરાનું મસ્તક લગાડવામાં આવે છે. બકરો અહંકાર અને આસક્તિનું પ્રતીક છે. બકરો ‘મેં મેં” બોલ્યા કરે છે. દક્ષ કર્મજડ છે, અહંકાર છે- આ સત્ય તેમને મળેલા બકરાના મસ્તક દ્વારા સૂચિત કરવામાં આવે છે. અહંકાર ભગવાન શિવનો – આત્મતત્ત્વનો શરણાગત થાય તો તે શિવાશ્રિત તરીકે જીવી શકે છે, પરંતુ તેમ ન કરે તો તે નાશને પાત્ર છે. અહંકાર દાસ થઈને ભલે જીવે, અન્યથા મોતને જ યોગ્ય છે. ઠાકુર શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે દાસનો અહંકાર, શરણાગતનો અહંકાર બાધારૂપ બનતો નથી.

(૬) કામ બળિયો છે, મહાબળવાન છે. પરંતુ આત્મા-શિવતત્ત્વની સામે ટકી શકે નહીં, બળીને ભસ્મ થઈ જાય છે. કામદેવ અહંકારની સેના છે, અંધકારની સેના છે. શિવતત્ત્વ આત્મતત્ત્વ છે, પ્રકાશનો પુંજ છે તેથી કામદેવ શિવતત્ત્વ સામે ટકી શકે નહીં. આત્માની – શિવની દૃષ્ટિ પડતાં જ કામદેવ તુરત બળીને ભસ્મ થઈ જાય છે. કામદેવ મોહિત અવસ્થામાં જ ટકી શકે, આત્માવસ્થામાં ન જ ટકી શકે. આત્માની દૃષ્ટિ, આત્માનો વિવેક કામને બાળીને ભસ્મ કરવા માટે પર્યાપ્ત છે. કામદહનની કથાનો આવો સંકેત છે.

(૭) હિમાલય ભૂમાનું પ્રતીક છે. ભૂમા એટલે સર્વોચ્ચ બૃહત્ તત્ત્વ, અર્થાત્ બ્રહ્મતત્ત્વ. ઉમા હિમાલયની પુત્રી બને તો પુનઃ આત્મતત્ત્વને-શિવતત્ત્વને પામી શકે છે. શિવતત્ત્વને પામવા માટે દક્ષે આપેલું શરીર છોડીને હિમાલયના પુત્રી બનવું પડે છે. આ રીતે આધ્યાત્મિક અર્થના વિવેચનથી કોઈ રખે એમ માને કે શિવજી, સતી-ઉમા-પાર્વતી, બ્રહ્માજી, દક્ષ આદિ પાત્રો કાલ્પનિક છે. કથાનાં આધ્યાત્મિક અર્થનો વિચાર-વિવેક કરીએ તેનો અર્થ એમ નથી જ કે કથાનાં પાત્રો, કથામાં આવતી ઘટના કાલ્પનિક છે. જ્યારે આપણે કથાનો આધ્યાત્મિક અર્થસમજીએ છીએ ત્યારે આધિદૈવિક અને આધિભૌતિક અર્થનો ઈનકાર કરતા નથી. આ ત્રણે અર્થો એકસાથે સાચા હોય છે. આપણા આધ્યાત્મિક સાહિત્યની એ જ તો મહત્તા છે. વ્યાસ, વાલ્મીકિ જેવા સમર્થ મહાકવિઓની કૃતિઓની રચના જ એવી હોય છે કે આ કૃતિઓના એકસાથે અનેક અર્થો સાચા હોય છે અને આ વિભિન્ન અર્થો વચ્ચે કોઈ વિરોધ પણ હોતો નથી. કથાની રચના એવી રીતે કરવામાં આવે છે કે તેમાં વર્ણવાતી ઘટના સત્યઘટના હોય છે અને તેમાંથી આધ્યાત્મિક અર્થ પણ નિષ્પન્ન થતો હોય છે. શિવ, ઉમા, દક્ષ, બ્રહ્માજી આદિ પાત્રો સૂક્ષ્મ જગતનાં દૈવી પાત્રો છે. તે સત્ય છે અને સાથે સાથે આ કથામાંથી આધ્યાત્મિક અર્થનિષ્પન્ન થાય છે તે પણ સત્ય છે. આપણી પુરાણકથાઓનો આવો મહિમા છે.

ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા

ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા -સ્વામી માધવપ્રિયદાસ મહાભારતમાં એક સરસ પ્રસંગ છે : જ્યારે રાજસૂય યજ્ઞ પૂરો થયો, મયદાનવે રચેલી સભામાં દુર્યોધનનું ઘોર અપમાન થયું. ઈર્ષ્યાની આગમાં સળગતો દૂર્યોધન પોતાના ઘેર ગયો. તેણે મનમાં નિર્ણય કર્યો કે યેનકેન પ્રકારેણ પાંડવોની સંપત્તિ પડાવી લઉં.

Read More »

શિવ-પાર્વતી

શિવ-પાર્વતી – ભાણદેવજી શિવ-પાર્વતી -ભાણદેવજી મહારાજ મનુએ પોતાની એક પુત્રી પ્રસૂતિનાં લગ્ન બ્રહ્માની પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે કર્યા. દક્ષ પ્રજાપતિને પ્રસૂતિથી સોળ કન્યાઓ જન્મી. આ સોળમાંનાં એક ‘સતી’નાં લગ્ન તેમણે ભગવાન શંકર સાથે કર્યા. એકવાર સર્વ પ્રજાપતિઓએ સાથે મળીને એક મહાન યજ્ઞનું આયોજન કર્યું. આ મહાન યજ્ઞમાં ઋષિઓ, મુનિઓ, દેવો

Read More »

વૈષ્ણવજન તો તેને રે કહીએ

વૈષ્ણવજન તો તેને રે કહીએ….. …..જે પીડ પરાઈ જાને રે. – મહેશ પઢારિયા ગુજરાતીના આદિ ભક્તકવિ નરસિંહ મહેતાનું, દુનિયાની લગભગ મોટા ભાગની ભાષાઓના કલાકારોના કંઠે ગવાયેલું, મહાત્મા ગાંધીને અત્યંત પ્રિય એવા ભજન ‘વૈષ્ણવજન’માં વૈષ્ણવજનના લક્ષણો વ્યક્ત થયા છે. ક્યારેક પ્રશ્ન થાય કે બાપુને આ ભજન આટલું બધું પ્રિય કેમ થયું

Read More »

અદ્ભુત સંત અદ્ભુતાનંદ સ્વામી

એકાંત અને એકલતા -શ્રી ભાણદેવજી હિમાલયની યાત્રાએ અનેકવાર જવાનું બને છે. હિમાલયનાં દૂરદૂરનાં સ્થાનો, ગહન એકાંત સ્થાનોમાં જવાનું પણ બને છે અને સૌથી વિશેષ તો હિમાલયની ગુફાઓમાં જવાનું પણ બને છે. હિમાલયમાં કેટલી ગુફાઓ છે ? એક હજાર ? ના, તેથી વધારે ! બે હજાર? ના, તેથી પણ વધારે !

Read More »