અદ્ભુત સંત અદ્ભુતાનંદ !
-સાધુ યજ્ઞવલ્લભદાસ
વિક્રમ સંવત્ ૧૮૬૪ની સાલમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ કચ્છમાં પધાર્યા હતા. કચ્છમાં સુંદરજી સુથાર નામના મહાન ભક્ત રહેતા હતા. એસ સમયે શ્રીજી મહારાજે એમની ભારે કસોટી કરેલી. એ કસોટીમાંથી સુંદરજી સુધાર સરધાર પાર ઉતરેલા. એ સમયે તેઓ કસોટીમાંથી તો પાર ઉતર્યા, પરંતુ હૃદયમાં ખૂણામાં સુક્ષ્મ અહંકારે જગ્યા લીધી. જેની નોંધ શ્રીજી મહારાજે લીધી હતી.
એ પ્રસંગ બન્યો એને ઘણો સમય વિત્યો હતો, પરંતુ भगवान શ્રીસ્વામિનારાયણનાં મનમાંથી સુંદરજી સુથારનાં મનનો રોગ ખસ્યો ન હતો. સદ્ગુરુ વૈધ છે. શિષ્ય નીરોગી ન થાય, ત્યાં સુધી એમને ચેન પડતું નથી. સુંદરજી સુથારના અંતરના અહંકારને દૂર કરવા માટે ભગવાન શ્રીસ્વામિનારાયણે એક અનોખું ઔષધ વિચાર્યું.
ભગવાન શ્રીસ્વામિનારાયણે કચ્છ તરફ પ્રયાણ કરતા પહેલા ભાદરા ગામેથી પોતાના અઢાર ભક્તોને ઉદેશીને એક પત્ર લખાવ્યો. પત્રમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે આજ્ઞા કરી હતી કે ‘આ પત્ર ક્રમશઃ જેના જેના હાથમાં આવે એમણે ગામ-ગરાસ, ઘરબાર, પુત્ર-પરિવારનો તત્કાળ ત્યાગ કરવો; ભગવાં વસ્ત્રો ધારણ કરવાં અને બધાએ સાથે મળી જેતલપુર જાવું; ત્યાં ભાઈ રામદાસજીને મળી કાશીની જાત્રા કરવા નીકળી જવું.’
માંચા સુરા સોમલા અલૈયા, મૂળુ નાજા માતરા મામૈયા ।
અજા જીવા વીરદાસ વળી, લાઘા કાળા કમળશી મળી ।।૩૭।।
એહ સર્વે તજી ઘરબાર, થાયો પરમહંસ નિરધાર ।।૩૮।।
(ભ.ચિં.પ્ર-૫૫)
નિષ્કુળાનંદ સ્વામીએ અહીં ૧૪ નામ લખ્યાં છે. બાકીનાં ચાર નામોની પૂર્તિ તદ્રુપાનંદ સ્વામીની વાતોમાંથી મળે છે. એ ચાર નામ છે – હાથિયા પટગર, અમરા પટગર, બંધિયાના ડોસાભાઈ, સરધારના વેરાભાઈ. આ અનોખો પત્ર ફરતો થયો. જેને-જેને પત્ર મળતો ગયો, તેમણે ઇષ્ટદેવના એક જ વેણે તત્કાળ સંસાર તજી દીધો અને ભગવો વેશ ધારણ કર્યો!
આ પત્રના અનુસંધાને એક બીજી અદ્ભુત ઘટના ઘટી. પત્રમાં અજા પટેલનું નામ હતું. પત્ર સાથે નવા પરમહંસોની મંડળી અજા પટેલ પાસે પહોંચી. મેથાણ ગામના અજા પટેલને પત્ર મળ્યો ત્યારે તેઓ પોતાના ભાણેજ કલ્યાણદાસને પરણાવવા જઈ રહ્યા હતા. જાનના ગાડાંઓ શણગારવામાં આવ્યાં હતાં. જાનડીઓ મધુર કંઠે મંગલ ગીતો ગાઈ રહી હતી. અજા પટેલ પરગણાના આગેવાન હતા, એટલે જાનમાં સાજન-માજન પણ સારી સંખ્યામાં જોડાયા હતાં. અજા પટેલ ઘોડેસવાર થઈ વરરાજાના ગાડાંની હારોહાર હાલી રહ્યા હતા. પરમહંસોની મંડળી અજા પટેલને મળી.
અજા પટેલ નવા પરમહંસોને ઓળખી ગયા. એમના મનમાં અત્યંત આશ્ચર્ય થયું. એમણે જિજ્ઞાસુ નજરે પરમહંસોની સામે જોયું. પરમહંસોએ મહારાજનો કાગળ અજા પટેલના હાથમાં મૂક્યો. કાગળ વાંચતા જ અજા પટેલ સમજી ગયા. એમણે એ જ ઘડીએ કોઈ જાતનો વિચાર કર્યા સિવાય સાધુ થવાનો નિર્ણય લઈ લીધો.
હાથમાં પત્ર સાથે અજા પટેલ ભાણેજની નજીક આવ્યા અને બોલ્યા, “ભાણા! હવે મારાથી તારી જાનમાં નહીં અવાય! મહારાજનો કાગળ આવ્યો છે, એમણે મારા અને તારા મારગ નોખા કરી દીધા છે. મહારાજની આજ્ઞા છે એટલે મારે આ જ ઘડીએ સાધુ થઈ આ પરમહંસોની મંડળી સાથે જવાનું છે.” ભાણેજ કલ્યાણદાસે કહ્યું, “મામા! મને મહારાજનો કાગળ વાંચવા દ્યો.” અજા પટેલે મહારાજનો કાગળ ભાણેજના હાથમાં મૂક્યો. પત્ર વાંચતા-વાંચતા ભાણેજ કલ્યાણદાસે અચાનક અદ્ભુત નિર્ણય લીધો અને બોલ્યા, “મામા! આમાં મારું પણ નામ છે! મારે પણ તમારી સાથે ચાલવું છે.’
ભાણેજની વાત સાંભળતાં અજા પટેલના મનમાં અત્યંત આશ્ચર્ય થયું. એમણે કાગળ બરાબર વાંચ્યો હતો, એમાં ક્યાંય ભાણેજ કલ્યાણદાસનું નામ નહતું. એમણે કહ્યું, “ભાણા! મહારાજનો કાગળ મેં બરાબર વાંચ્યો છે, આમાં ક્યાંય તારું નામ નથી !” ભાણેજે હસીને કહ્યું, “મામા ! પત્રમાં આ બધાં નામ લખ્યા પછી મહારાજે ‘વગેરે’ શબ્દ વાપર્યો છે, તો વગેરેમાં હું ન આવી જાઉં !!! માટે મારે પણ તમારી સાથે જ પરમહંસ થાવું છે.”
ભાણેજની વાત સાંભળી આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા. ‘જાનને ગાડે બેઠેલો, પીઠી ચોળેલો, મીંઢોળબંધો વરરાજો આ શું બોલી રહ્યો છે !’ મામા પણ ભાણેજની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. પરિસ્થિતિનો આ જબરદસ્ત વળાંક કેવાં વમળો સર્જશે? એની એને ખબર હતી, પરંતુ જ્યારે પોતાનું દિલ વૈરાગ્યના રંગે રંગાઈ ચૂક્યું હોય એ ભાણેજને કેમ રોકી શકે! જાનમાં ભેગાં થયેલાં સાજન-માજને વરરાજાને સમજાવવા ખૂબ પ્રયાસ કર્યો, પણ વરરાજો એકનો બે ન થયો. નાનપણથી જ એમની મા અને મામાએ કલ્યાણદાસને સત્સંગના પીયૂષ પાયા હતા તેનો આ પરિપાક હતો.
આમ તો કલ્યાણદાસના હૃદયમાં પરણીને સંસાર માંડવાની ઇચ્છા જ ન હતી, પરંતુ સગાં-સંબંધીઓના આગ્રહથી પરાણે ઘોડે ચડવું પડયું હતું. મહારાજના પત્રે એના હૈયામાં રહેલા વૈરાગ્યના અગ્નિને સતેજ બનાવી આવ્યો. મહારાજે આ મીંઢોળબંધા અજાણ્યા નવયુવાનને જોઈને પરમહંસોને પૂછ્યું, “આ કોણ છે? આમનું નામ તો અમે પત્રમાં લખ્યું નહોતું.” ત્યારે કલ્યાણદાસે કહ્યું, “મહારાજ ! તમોએ કાગળમાં નામો લખીને પછી એમ લખ્યું હતું કે, ‘વગેરે જે કર્મયોગી તથા સાંખ્યયોગી હરિજન સર્વ ઘરબાર છોડીને નીકળી જજો. એમાં જ અમારું ગમતું છે.’ માટે તમારું ગમતું મૂકીને સંસારમાં શું સુખ લેવા રહીએ?”
કલ્યાણદાસની વાત સાંભળી મહારાજ ખૂબ પ્રસન્ન થયા. પછી માંચા ખાચરે માંડીને કલ્યાણદાસની વાત કરી. મીંઢોળબંધો વરરાજો માંડવેથી પાછો વળ્યો, આ વાત સાંભળતા જ ભગવાન શ્રીસ્વામિનારાયણના અંતરમાંથી અહોભાવના ઉદ્ગારો ઊઠ્યા, “અદ્ભુત ! અદ્ભુત! માયારૂપી નાગણી લગ્નને માંડવે ભલભલાને ભરખી જાય છે! જયારે આ યુવાન તો માયાના માથા ઉપર પગ મૂકી, માયાને જીતીને આવ્યો છે, આ યુવાને તો ભારે અદ્ભુત કામ કર્યું છે!”
પછી સ્વયં મહારાજે કલ્યાણદાસને હાથે જે વિવાહ પ્રસંગનું મીંઢળ બાંધ્યું હતું તે પોતે છોડયું અને ભગવાં કપડાં પહેરાવી સાધુદીક્ષા આપી અને નામ પાડયું ‘અદ્ભુતાનંદ’. મહારાજની આજ્ઞાથી મોટા મોટા ગિરાસદાર, જમીનદાર, સુખી-સંપન્ન વ્યક્તિઓને આ રીતે ભગવી કંથા ધારણ કરેલી જોઈ સુંદરજી સુથારના અંતરમાં ઊંડે ઊંડે રહેલો અહંકાર ઓગળવા લાગ્યો અને એમાં પણ જ્યારે લગ્નના માંડવેથી પાછા વળેલા યુવાન મીંઢોળબંધા કલ્યાણદાસની વાત સાંભળી, ત્યારે તો સુંદરજી સુથાર આભા જ બની ગયા! કુશળ વૈદ્ય કડવી દવા પાઈને નીરોગી કરે, એમ મહારાજે સુંદરજી સુથારને બધા જ પરમહંસોનો પરિચય કરાવી માર્મિક ટકોર કરી, “કેમ સુંદરજી ! તમે કહ્યું હતું ને કે આવી કસોટી બીજાની ન કરશો! આવી કસોટીમાં હું પાર પડયો, પણ બીજા પાર નહિ પડી શકે!”
મહારાજનું મર્મ ભરેલું વેણ સાંભળતાં જ સુંદરજી સુથાર ઝંખવાઈ ગયા. મહારાજે આગળ કહ્યું, “સુંદરજી ! અહંકાર તો ભલભલાને ભૂલાવે એવો છે. કામ, ક્રોધ, લોભ, દંભ, છળ, કપટ, ઈર્ષા વગેરે સર્વ દોષોનું મૂળ છે. માટે અમારા ભક્તોએ કોઈ પણ પ્રકારનો અહંકાર ન રખાય!”
ગમતાનો ગુલાલ !
-સાધુ યજ્ઞવલ્લભદાસ
ગમતું મળે એને માણવું અને અન્યને વહેંચવું એ સજ્જન પુરુષોનો સ્વભાવ છે. સજ્જન પુરુષો ગમતાનો ગુલાલ કરીને આનંદ અનુભવે છે. માયાથી આવરિત આ જગતના જીવો વિષયભોગમાં પોતાનું જીવતર ગુમાવી દે છે, ત્યારે સંતપુરુષો પોતાને પ્રાપ્ત થયેલા પારલૌકિક આનંદના ભોક્તા અન્ય જીવોને બનાવે છે. કેમ કરીને ઝાઝા જીવ માયાના મોહમાંથી બચે અને પરમપુરુષના સ્વરૂપને પામે? એ પ્રશ્નના સમાધાનમાં જ સંતો પુરુષાર્થ કરતા જોવા મળે છે.
સંત પુરુષોનાં મન-વચન-કર્મમાંથી પ્રેરણા લઈને એક જીવ પણ ભગવાનનાં શરણે થાય ત્યારે સંત માટે એ ઘડી ખૂબ આનંદની હોય છે. માટે જ સંતો પોતે અનુભવેલ પરબ્રહ્મને અનેક જીવો પણ ઓળખે અને શાશ્વત સુખને મેળવે એવી તમન્ના સેવી પુરુષાર્થ કરતા રહે છે. અદ્ભુતાનંદ સ્વામીનું હૃદય શ્રીહરિના મહિમાથી અભરે ભરેલું હતું. તેઓ સદાય શ્રીહરિના મહિમાના કેફમાં મસ્ત રહી મોજ માણતા. હૃદયાકાશમાં રહેલી શ્રીહરિની મૂર્તિ ક્યારેય ઝાંખી ન પડે એનું તેઓ સતત અનુસંધાન રાખતા અને ઝાઝા જીવને એ મૂર્તિના સુખે સુખિયા કરવાનું તાન સેવતા.
અદ્ભુતાનંદ સ્વામી સાધુ થયા પછી વડતાલ રહેતા. સાધુ થયાને ઘણો સમય પસાર થઈ ગયો હતો. કલ્યાણદાસ ઘરે પરત ન ફર્યા એટલે પરિવારના કહેવાથી જ સ્વામીના ભાઈ વજુભાઈ કડુથી ગાડું જોડી સ્વામીને ઘરે તેડી જવાના ઉદ્દેશથી વડતાલ આવ્યા. વજુભાઈ અદ્ભુતાનંદ સ્વામીને મળ્યા. પરિવારની ચિંતાની વાત કરી અને પોતે ઘરે તેડી જવા જ આવ્યા છે એમ કહ્યું. ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ વજુભાઈને, “બે-પાંચ દિવસ રોકાઓ, પછી આપણે વિચારીશું.” એવું કહી રોકી દીધા.
વજુભાઈને રોકવા પાછળ અદ્ભુતાનંદ સ્વામીનો વિચાર અદ્ભુત હતો. એ વિચારને કાર્યાન્વિત કરવા સ્વામીએ પુરુષાર્થ માંડ્યો. સ્વામી વજુભાઈને પોતાની પાસે બેસાડે અને ભગવાન શ્રીસ્વામિનારાયણનાં ચરિત્રોની કથા કરે, મહિમાભરી વાતો કહે, જ્ઞાન-વૈરાગ્યનો રસ પાય અને સંસારની હકીકત સમજાવે. રાત-દિવસ આવું ચાલ્યું. સ્વામીએ ઘૂંટીઘૂંટીને એવો રસ પાયો કે વજુભાઈ રસતરબોળ થઈ ગયા, અંગેઅંગ રંગાઈ ગયું અને સંસાર અસાર થઈ ગયો! વજુભાઈએ સાધુ થઈ જવાનો નિર્ણય લીધો. બળદ-ગાડું લઈને આવ્યા હતાં તેને વેચી નાંખ્યું. જે પૈસા મળ્યા એના થાળ થયા અને સંતોને રસોઈ આપી. પોતે પણ ભાઈની સાથે સાધુ થયા. આવ્યા હતા ભાઈને લેવા અને ભાઈની પાસે રોકાઈ ગયા. શ્રીજી મહારાજે વજુભાઈને દીક્ષા આપી અને નામ પાડયું ‘નિષ્કામાનંદ સ્વામી.”
ઘણા દિવસો પસાર થઈ ગયા. કડુમાં કલ્યાણદાસ અને વજુભાઈની વાટ જોવાઈ રહી છે. નથી બન્ને ભાઈઓ આવતા કે નથી એમના કોઈ સમાચાર મળતા. બળદગાડું લઈને ગયા છે એટલે મંદિરની સેવામાં રોકાઈ ગયા હશે એવું મન મનાવી થોડા દિવસ વધુ વાટ જોઈ, પરંતુ કોઈ ખબર ન મળતા બધા ભારે મૂંઝાઈ રહ્યા છે. આખરે ત્રીજા ભાઈ વિઠ્ઠલભાઈએ બધાંની મૂંઝવણ પારખી કહ્યું, ‘હું વડતાલ દર્શન કરી આવું અને વજુભાઈ કેમ રોકાઈ ગયા છે તે જાણીને તેમને તેડતો આવું.” વિઠ્ઠલભાઈ વડતાલ આવ્યા. દેવદર્શન કરી તેઓ અદ્ભુતાનંદ સ્વામીનાં દર્શન કરવા ગયા. બધી વિગત જાણી એટલે તેઓ થોડા નારાજ થયા. અદ્ભુતાનંદ સ્વામીએ શાંત કર્યા અને થોડા દિવસ રોકાવાનું કહ્યું.
મંદિરમાં નિત્ય નવી નવી સેવાઓ ચાલતી જ હોય. સંતો-ભક્તો દ્વારા થતી સેવાઓ જોઈ વિઠ્ઠલભાઈનાં મુમુક્ષુ મનને થયું કે, સેવા કરવાનો આવો અલભ્ય લાભ મેં ક્યારેય લીધો નથી, માટે થોડા દિવસ રોકાઈને સેવા કરી લઉં. આમ વિચારી તેઓ સેવામાં જોડાઈ ગયા. અદ્ભુતાનંદ સ્વામી વિઠ્ઠલભાઈને જોઈને મનોમન રાજી થતા હતા. સ્વામીના મનનાં વિચારો તો જુદા જ હતા. તેઓ વિઠ્ઠલભાઈને પણ રોકી રાખવા માગતા હતા. તેથી ધીરે ધીરે તેઓએ વાતો કરવાનું ચાલું કર્યું. ઉપરાંત મંદિરમાં સંતો ચાર વાગ્યે વહેલા ઊઠી ધ્યાન-ભજન કરે, પ્રભાતિયાં કીર્તનો અને પ્રકરણો બોલે, પૂજા-પાઠ, સ્તુતિ-પ્રાર્થના, કથાવાર્તા થાય. વાતાવરણમાં કોઈ ગજબની શાંતિ પ્રસરી જાય. આ દિવ્ય વાતાવરણનો અનુભવ કરી વિઠ્ઠલભાઈનું હૃદય શાંતિમાં ગરકાવ થઈ જતું. ઉપરથી અદ્ભુતાનંદ સ્વામીનાં મુખેથી વહેતી વૈરાગ્યભરી વાતોનો મારો ચાલે.
મનોમંથનનું પરિણામ એ આવ્યું કે, વિવેકી વિઠ્ઠલભાઈનાં હૃદયમાંથી સંસાર અસાર થઈ ગયો અને શ્રીહરિ બિરાજમાન થઈ ગયા. વિઠ્ઠલભાઈનાં ચિત્તમાંથી સંસાર ઊતરી ગયો અને એમણે ભગવો ધારણ કરી લીધો. શ્રીજી મહારાજે વિઠ્ઠલભાઈને દીક્ષા આપી અને નામ પાડયું ‘ચૈતન્યાનંદ સ્વામી.’ ચૈતન્યાનંદ નામના બે સંતો હતાઃ એક મોટા અને એક નાના. વિઠ્ઠલભાઈ નાના ચૈતન્યાનંદ સ્વામી તરીકે ઓળખાતા. આમ, અદ્ભુતાનંદ સ્વામી ગમતાનો ગુલાલ કર્યે જતા હતા અને એક પછી એક ભાઈ સાધુ થયે જતા હતા. એક જ પરિવારના ત્રણ ભાઈઓ સાધુ થયા હોય એવી આ ઐતિહાસિક ઘટના હતી. ઇતિહાસમાં આવી કોઈ અન્ય ઘટના ઘટી હોય એવું જાણ્યામાં આવતું નથી.
આ દિવ્ય ઘટનાઓ પાછળ ખૂબ મોટાં પરિબળો કામ કરી રહ્યાં હતાં. એક તો મામા અજા પટેલનો ગળથૂથીનો સત્સંગ હતો, માતા દેવુબાઈનો સંસ્કારસભર ઉછેર હતો અને એ દરેકનો જીવ મુમુક્ષુ હતો. સોનામાં સુગંધ ભળે એમ પરિવાર તરફથી મળેલા સંસ્કારોને સંતોના સહવાસથી સતત પોષણ મળતું રહ્યું હતું. આટલાં બધાં શુભ પરિબળો ભેગાં થાય ત્યારે જ એક જ પરિવારમાં આવી દિવ્ય અને અલૌકિક ઘટનાઓ ઘટી શકે. ત્રણ ભાઈઓ ઘરેથી ગયા છે, પણ પાછા આવ્યા નથી. પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. તપાસ કરી ત્યારે સૌને ભારે આઘાત લાગ્યો. ઘરેથી નીકળેલા ત્રણે ભાઈઓ સાધુ થઈ ગયા હતા!
આ સમાચાર સાંભળી ચોથા ભાઈ કુબેરદાસ ઘણા ઉદાસ રહેવા લાગ્યા. તેઓ પણ મુમુક્ષુ હતા. એમનાં હૃદયમાં પણ પ્રભુપ્રાપ્તિની ઝંખના હતી. ઉપરાંત બાળપણથી જ સાથે મોટા થયેલા ચારે ભાઈઓને પરસ્પર ખૂબ હેત હતું. સાથે રહીને તેઓએ બાલ્યાવસ્થાનો ભરપૂર આનંદ માણેલો. એ સંગાથ છૂટી ગયો એટલે કુબેરદાસને હવે ઘર સાવ સૂનુંસૂનું લાગવા માંડ્યું. મન બેચેન રહેવા લાગ્યું, ભોજનમાંથી રુચિ ઊડી ગઈ, નિદ્રાદેવીએ વિદાય લીધી. આ સર્વ ઉપાધિની સામે કુબેરદાસ ઝાઝી ટક્કર લઈ શક્યા નહીં અને એક દિવસ વહેલી સવારે સાધુ થવાના સંકલ્પ સાથે ગઢડા તરફ ચાલતા થઈ ગયા. આ વાત વાયુવેગે ચારેતરફ ફેલાઈ ગઈ.
પરિવારની ત્રણ બહેનો જે જુદે જુદે ગામડે સાસરે હતી તે કડુ ભેગી થઈ અને સર્વે મહારાજ પાસે ગઢપુર આવ્યાં. સર્વએ દીનભાવે મહારાજને વિનંતી કરી, “હે મહારાજ! અમારા ત્રણ ભાઈઓ સાધુ થઈ ગયા છે. કુબેરદાસ એક જ વધ્યા છે અને એ પણ અહીં આપની પાસે સાધુ થવા આવ્યા છે. કુબેરદાસ સાધુ થઈ જાય એટલે અમારે કોઈ પ્રકારનો આધાર-આશરો રહે નહીં. ઉપરાંત જેનો વંશ નહીં તેનું જગતમાં સારું ન કહેવાય. માટે આપ કૃપા કરી કુબેરદાસને ઘરે મોકલો અને એમના વંશમાં સત્સંગ કાયમ રહે એવા આશીર્વાદ આપો.” બહેનોની પ્રાર્થનાથી સાંભળી શ્રીજી મહારાજે કુબેરદાસને ઘરે જવાની આજ્ઞા કરતા કહ્યું, “કુબેરદાસ ! અમો તમારા ઉપર ખૂબ રાજી છીએ. તમો ઘરે રહીને અમારું ભજન કરો. તમારા વંશમાં સત્સંગ અને સુખશાંતિ કાયમ રહેશે.” મહારાજના આશીર્વાદનો સ્વીકાર કરી કુબેરદાસ બહેનો સાથે ઘરે આવ્યા અને સંસારધર્મનો સ્વીકાર કર્યો.
કુબેરદાસના પુત્ર કલાભાઈ થયા અને તેમના પુત્ર જીવરાજભાઈ થયા. વિ. સં., ૧૯૬૨ની સાલમાં જીવરાજભાઈ પોતાનું વતન કડુ છોડીને વિરમગામ પાસે નવા વસેલા ધરમપુર ગામે રહેવા આવેલા. એમના પુત્ર લાલજીભાઈ સત્સંગમાં ખૂબ પ્રસિદ્ધ ભક્ત હતા. તેઓના બે પુત્રો પરષોત્તમભાઈ અને ધનજીભાઈ હાલમાં ધરમપુરમાં રહે છે અને ખૂબ સારો સત્સંગ રાખે છે.