ભગવાન શ્રી સ્વામિનારાયણ અઢારમાં સૈકાનાં પૂર્વાધમાં વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ, ઈ.સ. 1781 2 એપ્રિલ, સોમવારનાં દિવસે ઉતરપ્રદેશનાં અયોધ્યા પાસે આવેલાં છપૈયા ગામમાં માતા ભક્તિદેવી અને પિતા ધર્મદેવનાં ઘરે પ્રગટ થયા. બાળવયમાં તેઓ ઘનશ્યામ પ્રભુનાં નામે પ્રસિદ્ધ થયા.
વિક્રમ સંવત 1849, અષાઢ સુદ 10ની વહેલી સવારે અયોધ્યાથી નીકળી તેમણે તપયાત્રા આરંભ કરી. બ્રહ્મચર્ય, આત્મ નિયંત્રણ અને દુન્યવી વસ્તુઓ કે સુવિધાઓ પ્રત્યે તેઓ સદા અનાસક્ત રહેતા. તેમનાં કૃષકાય પણ તેજોમય દેહને નિહાળી સૌ કોઈનાં મુખમાંથી નીલકંઠ વર્ણીની જય શબ્દો સરી પડતાં.
ગુજરાતનાં લોજ ગામમાં ગુરુ રામાનંદ સ્વામીનાં આશ્રમમાં નીલકંઠ વર્ણીનો મેળાપ સતંવર્ય મુક્તાનંદ સ્વામી સાથે થયો. વિક્રમ સંવત્ 1857નાં કાર્તિક સુદી એકાદશીનાં દિવસે પીપલાણામાં ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને મહાદિક્ષા આપીને તેમને બે નામ આપ્યાઃ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ.
ત્યારબાદ ગુજરાતનાં ફણેણી ગામમાં ભક્તોને સ્વામિનારાયણ મંત્ર આપીને આરંભ કર્યો સત્સંગ, સદાચાર અને શુદ્ધ ધર્મનાં મૂલ્ય ધરાવતાં સ્વામિનારાયણ સંપ્રદાયનો.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૃહસ્થ અને ત્યાગીઓનાં અલગ નિયમની રુપરેખા આપી. ગૃહસ્થનાં નિયમોમાં પંચવર્તમાન થકી દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો અને વટલાવું નહી કે કોઈને વટલાવવું નહીં એવા પાંચ નિયમો આપીને આદર્શ ભક્ત અને આદર્શ નાગરિક બનાવી સભ્ય સમાજનું નિર્માણ કર્યું.
વૈદિક ધર્મની ઓળખ અને સમાજમાં ધર્મનાં મૂલ્યોને પ્રસરાવવા માટે સ્ત્રી–ધનનાં ત્યાગી તેજસ્વી સ્વામિનારાયણ સંત પરંપરાની અણમોલ ભેટ આપી. ભક્તિ, જ્ઞાન અને સેવાને વરેલા ભગવાન સ્વામિનારાયણનાં સંતોએ સમાજને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક રીતે સશક્ત કરવાની પરંપરા આરંભ કરી.
ધર્મપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણે સમાજમાં રહેલા સડાને દૂર કરવાનું કાર્ય હાથ ધર્યું. સમાજમાં વેગીલી બનેલી અંધશ્રદ્ધા, કુરિવાજો, નાત–જાત અને વહેમથી પીડાતા લોકોને તેમાંથી મુક્ત કરી સત્સંગ અને સન્માર્ગે વાળ્યા.
ભગવાન શ્રીહરિએ અનંતકાળ સુધી અનંત જીવાત્માઓનાં આત્યંતિક કલ્યાણ માટે સ્વહસ્તે અમદાવાદ, વડતાલ, ગઢડા, ભૂજ, જૂનાગઢ અને ધોલેરા ધામમાં ગગનચૂંબી ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ કરી દેવોની સ્થાપના કરી.
સંપ્રદાયની વૃદ્ધિ અર્થે અમદાવાદ તથા વડતાલ એમ ઉત્તર અને દક્ષિણ ભારતને બે ધર્મપીઠમાં વહેંચી પોતાના બે ભાઈઓનાં પુત્રોને બે ધર્મપીઠનાં આચાર્યપદે સ્થાપિત કર્યા.
વિશાળ સત્સંગીજનોનો સમુદાયને દઢ નિયમમાં રહેવા માટે શિક્ષાપત્રી નામના ઉત્તમ ગ્રંથની પોતે રચના કરી. પોતાનાં ઉપદેશોને સંપાદિત કરાવીને પોતે જ પ્રમાણિત કરી વચનામૃત ગ્રંથ આપ્યો. સાથે સાથે પોતાના લીલાચરિત્રોનાં શ્રીસત્સંગિજીવન, શ્રીહરિદિગ્વિજય, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્તચિંતામણિ જેવા ગ્રંથોની રચના સંપ્રદાયનાં વિદ્વાન સંતો પાસે કરાવી.
આમ, ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્થાપેલ દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત – આ છ અંગ દ્વારા પ્રગટ રહેવાનું વચન આપીને ફક્ત ત્રીસ વર્ષનાં ટૂંકા સમયગાળામાં ધર્મ પ્રવર્તાવીને પોતાની જીવનલીલા સંકેલી ભગવાન શ્રી સ્વામિનારાયણ 49 વર્ષની વયે ગઢડામાં વિક્રમ સંવત 1886 જેઠ સુદ 10, ઈ.સ. 1830નાં 1 જૂનનાં દિવસે પંચભૌતિક દેહનો ત્યાગ કરી સ્વધામ અક્ષરધામ સિધાવ્યા.